Wednesday, May 21, 2025

Nānī vārtā / નાની વાર્તા

 એક પ્રસિદ્ધ લામાએ પોતાની આત્મકથા માં લખ્યું છે કે હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે મને શિક્ષા મેળવવા વિદ્યાપીઠ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું , આગલા દિવસે રાતે મારા પિતાજીએ મને બોલાવીને કહ્યું કે વહેલી સવારે ચાર વાગ્યે તને ઘરે થી વિદાય આપવા માં આવશે , આ સમયે હું કે તારી માઁ હાજર નહીં રહીએ . તારી માં ને આટલા માટે હાજર નહી રાખીએ કારણ કે એની આંખમાં આંસુ આવ્યા વગર રહેશે નહી , અને એની આંખમાં આંસુ જોયા પછી તારું મન પણ પાછું પડશે. 

                અને હું હાજર નહી રહું એનું કારણ એ છે કે તું જ્યારે ઘર છોડીને જઈ રહ્યો હશે ત્યારે તને પાછું વળીને જોવાનું મન થશે , તારું મન પારોઠના પગલાં ભરે તો હું એ જોઈ નહીં શકું , કારણ કે આપણા પરિવાર માં એવો કોઈ માણસ હજુ જન્મ્યો નથી કે એ પાછું ફરીને જુવે...એટલે એ વાત યાદ રાખજે કે વિદાય થયા પછી તારે પાછું ફરીને જોવાનું નથી , જો ભૂલે ચૂકે તે પાછું ફરીને જોઈ લીધું તો સમજી જજે કે તું મારો પુત્ર નહીં અને હું તારા પિતા નહીં...!! પછી આ ઘર સાથે , આ પરિવાર સાથે તારે કોઈ સંબંધ નહીં રહે , આ ઘરના દરવાજા તારા માટે બંધ થઈ જશે...!!!

                 પાંચ વરસના બાળક પાસે આટલી મોટી અપેક્ષા...??? પાંચ વરસના બાળકને સવારે જગાડી દેવા માં આવ્યો , તૈયાર કરી ઘોડા પર બેસાડી વિદાય આપવા માં આવી , વિદાય આપતી વખતે ઘરના નોકરો જ હાજર હતા અને એમણે કહ્યું કે બેટા સંભાળી લેજે , થોડો આગળ વધીશ ત્યાં જ રસ્તાનો વણાંક આવી જશે , બસ એ વણાંક સુધી પાછું વળીને જોતો નહીં..અને જતી વખતે નોકરોએ એમ પણ કહ્યું કે તને જ્યાં મોકલવા માં આવી રહ્યો છે એ કોઈ સાધારણ વિદ્યાપીઠ નથી , દેશની સર્વશ્રેષ્ઠ વિદ્યાપીઠ છે ,  દેશના સર્વોચ્ચ કહી શકાય એવા નાગરિકો આ વિદ્યાપીઠે આપ્યા છે , ત્યાં પ્રવેશ મેળવવા માટે બહુ કઠિન પરીક્ષાઓ લેવા માં આવે છે , તો તું ખાસ ધ્યાન આપજે અને પ્રવેશ પરીક્ષા કરી લેજે , જો તું પહેલી પરીક્ષા માં જ અસફળ રહ્યો તો એ લોકો તને ઘરે પાછો મોકલી દેશે , અને ઘરે પણ તારા માટે કોઈ જગ્યા નહી હોય...!!!

                   પાંચ વરસના બાળક સાથે આટલી કઠોરતા...??? વાંચતા વાંચતા તમને પણ દયા આવી ગઈ ને...??? 

                   લામા પોતાની આત્મકથા માં લખે છે કે હું ઘોડા પર બેસી ગયો..મારી આંખો આંસુ થી છલકાય રહી હતી , પણ હું પાછું વળી ને જોઈ ન શક્યો. કારણ કે જે ઘરને પાછું વળીને જોવાની ઈચ્છા થતી હતી એ ઘરના કોઈ માણસે અગાઉ ક્યારેય પાછું વળીને જોયું જ ન્હોતું...!!!પરંપરા હતી પાછું જોયા વિના આગળ વધી જવાની અને મારે એ પરંપરાને વળગી રહેવાનું હતું...!!

                જો હું પાછું વળીને જોઉં અને પિતાને ખબર પડે તો હું કાયમ માટે એ ઘરથી વંચિત થઈ જાઉં , એટલે મક્કમ મનોબળ સાથે પાછું વળીને જોયા વગર આગળ વધતો રહ્યો...!!

                એ બાળકની અંદર કોઈ ચીજ પેદા કરવા માં આવી રહી છે , એ બાળકની અંદર સંકલ્પને જગાડવા માં આવી રહ્યો છે , જે એના નાભિ કેન્દ્રને મજબૂત બનાવવા માટે જરૂરી છે , એનો બાપ કઠોર નથી એનો બાપ નિષ્ઠુર કે દયાહીન નથી..એનો બાપ પ્રેમાળ છે, ખરા અર્થમાં તેના માં બાપ પોતાનાં બાળક નુ હિત ચાહી રહ્યા છે એને મજબૂત, આત્મવાન, શકિતશાળી, હિંમતવાન તથા સાહસી બનાવી રહ્યા છે.બાળકને ઉત્કૃષ્ઠ, ઉત્તમ, અને ઉજ્વળ ભવિષ્ય આપી રહ્યા છે.સામાન્ય રીતે જે માં બાપ પ્રેમાળ દેખાતા હોય છે અને વધારે પડતા લાડ, સુરક્ષા આપી, પજેસિવનેસ થી પીડાતા હોય છે એ વાસ્તવમાં બાળકના દુશ્મન હોય છે , એ બિનજરૂરી લાડ પ્યાર આપીને બાળકને માયકાંગલું, ડરપોક, બિચારું, ને પોપુ બનાવી રહ્યા છે.બાળકના આંતરિક કેન્દ્રોને ઢીલા કરી રહ્યા હોય છે...!!!

                 પાંચ વરસનો એ બાળક વિદ્યાપીઠ પહોંચી ગયો , વિદ્યાપીઠના પ્રમુખ આચાર્ય એ એમને કહ્યું કે દરવાજા પાસે આંખ બંધ કરીને બેસી જા , હું જ્યાં સુધી પાછો ન ફરું ત્યાં સુધી આંખ ન ખોલતો , ગમે તે થઈ જાય પણ હું પાછો આવીને આંખો ખોલવાનું ન કહું ત્યાં સુધી તારે આંખો બંધ રાખવાની છે , આ તારી પ્રવેશ પરીક્ષા છે , અહીં ની પ્રવેશ પરીક્ષા થોડી કઠિન છે , તું એમાં અસફળ રહ્યો તો તને પરત ઘરે મોકલી દેવા માં આવશે , કારણ કે જે માણસ થોડી વાર આંખો બંધ કરીને બેસી ન શકે એ બીજું શીખી પણ શું શકે...આમ કહી પ્રમુખ આચાર્ય જતા રહ્યાં...!!!

                    પાંચ વરસનો બાળક દરવાજા પાસે આંખ બંધ કરીને બેસી ગયો , થોડી વાર પછી માંખીઓ એને પરેશાન કરવા લાગી , વિદ્યાપીઠ માં આવતા અન્ય વિધાર્થીઓ એને ધકે ચડાવવા લાગ્યા છતાં પણ એણે આંખ ન ખોલી કારણ કે એને કડક સૂચના આપવામાં આવી છે કે આંખ ખોલીશ  તો એને ઘરે મોકલી દેવામાં આવશે..!!

                 બે ત્રણ કલાક પસાર થઈ એ આંખ બંધ કરીને બેઠો છે અને આંખ ખોલવા માટે મજબૂર પણ કરાઈ રહ્યો છે , દરવાજા પાસે થી પસાર થતા લોકોના અવાજ સંભળાય છે , કોઈ ધક્કા મારતું જાય છે , કોઈ કાંકરી ચાળો કરે છે , આંખ ખોલવાનું મન થાય છે કે આંખ ખોલીને જોઈ લઉં..??

               લામા લખે છે કે પૂરી છ કલાક પછી પ્રમુખ આચાર્ય આવ્યા અને કહ્યું તારી પરીક્ષા પૂરી થઈ..તારી અંદર શક્તિ છે , તું સંકલ્પવાન બની શકે એમ છે , તું જે ઈચ્છે એ કરી શકવા સમર્થ છે , આ ઉમરે છ કલાક આંખ બંધ રાખીને બેસવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે , પ્રમુખ આચાર્ય એને ભેટી પડ્યા , અને કહ્યું કે તું હવે નિશ્ચિત રહેજે થોડી વાર પહેલા જે બાળકો તને પરેશાન કરતા તાં એ મારા મોકલેલા જ હતા હવે એ તને ક્યારેય હેરાન નહી કરેં..!!

                  લામાએ પોતાની આત્મકથા માં લખ્યું છે કે એ સમયે મને લાગતું હતું કે મારી સાથે બહુ કઠોર વ્યવહાર કરવા માં આવી રહ્યો છે , પણ જેમ જેમ જીવન પસાર થતું ગયું હું તેમ તેમ મારા મનમાં એ બધા લોકો માટે અહોભાવ જાગવા લાગ્યો , હું ધન્યવાદ થી ભરાય ગયો , કારણ કે મારા માતા પિતા અને વિદ્યાપીઠના લોકોએ મારી ભીતર છુપાયેલી શક્તિઓ ને બહાર લાવવા માં મદદ કરી ,મારી અંદર સૂતેલા બળને જગાડ્યું...!!

                 મિત્રો શું આપણે આપણા બાળક માં જીવન મૂલ્યો વિકસે એના માટે એની સાથે ક્યારેય કઠોર થયા છીએ...??? આપણા બિન જરૂરિ લાડ પ્યારના કારણે એની શક્તિઓ કુંઠિત તો નથી થઈ રહીને...??? આપણે આપણા બાળકોને એટલો બધો છાંયો તો નથી આપતા ને કે એ થોડા અમસ્તાં તાપ માં અકળાઈ ઊઠે...??

જોઇ લેજો...વિચારી લેજો...!

No comments:

Post a Comment

Time Value "સમય નથી"

                               "સમય નથી" બાર કલાકની મુસાફરી ચાર કલાક થઈ ગઈ છે, છતાં એક માણસ કહે છે - સમય નથી બાર લોકોનો પરિવાર બે ...