Sunday, May 4, 2025

Husband and wife are worth reading. / પતિ-પત્ની એ વાંચવાં લાયક

                                                        પતિ-પત્ની એ વાંચવાં લાયક

તું શોધીશ મને ચારે બાજુ, ભટકીશ ખૂણે-ખૂણે, પણ દુનિયાનાં કોઈપણ ખૂણે, હું નહીં હોઉં.


તું ઈચ્છીશ કે હું તારી સાથે રહું, પણ રાત્રે પડખું ફેરવીશ ત્યારે, તારાં પડખામાં, હું નહીં હોઉં.


તને લાગશે વાસણનો અવાજ થયો, તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, પણ ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવાં, હું નહીં હોઉં.


તું થાકીને ઘરે આવીશ, સોફા પર ઢળી જઈશ, પણ ત્યારે અદરખ અને એલચી વાળી કડક મીઠી ચા બનાવવા, હું રસોડામાં નહીં હોઉં.


તને ઓફિસનો ગુસ્સો હશે અને ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે, વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા, હું હાજર નહીં હોઉં.


તું ફરવા જવાનું પ્લાનિંગ કરીશ અને ઓફિસમાં જ વ્યસ્ત થઈ જઈશ, પણ ત્યારે તૈયાર થઈને તારી રાહ જોઈને બેસેલી, હું ઘરમાં નહીં હોઉં.


ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ, ટુવાલનાં બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટા કરવા માટે, મનોમન રોમાંચિત થવા હું નહીં હોઉં.


તને વાતો કરવી હશે ઘણી-ઘણી, સુખની, દુઃખની, પ્રેમની, લાગણીની, પણ તારી લાગણીઓમાં, તારી સાથે વહી જવા, હું નહીં હોઉં.


તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ, ગરમ-ગરમ કોળીયા મોઢામાં મુકીશ, પણ એ વખતે તને ટોકવા ડાઇનિંગ ટેબલ પર, હું નહીં હોઉં.


તારી આસપાસ ચોપાસ આખી દુનિયા હશે, પણ એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા, હું નહીં હોઉં.


અંતે કદાચ એવું થશે કે તું મને યાદ કરવાની ખૂબ કોશિશ કરીશ, મારી વાતો વાગોળવા મથામણ કરીશ. પરંતુ કદાચ એ સમયે તારી 'યાદો'માં, 'અંકિત' હું નહીં હોઉં.”


તક, વસ્તુ, વ્યક્તિ કે સમય મોટે ભાગે જ્યારે હાથમાંથી નીકળી જાય છે ત્યારે જ આપણને તેની કદર, તેની જરૂરીયાત, તેની ખોટ વર્તાય છે અને ત્યાં સુધી આપણે તેનું મહત્વ સમજી નથી શકતાં.


વસ્તુની ખોટ કદાચ હજી પૂરી શકાય, તક કદાચ ફરીથી મેળવી શકાય. પરંતુ કોઈ પ્રિય વ્યક્તિની ખોટ આજીવન નથી પુરાતી. આપણું પ્રિયપાત્ર જ્યારે આપણી સાથે ન હોય ત્યારે ઘણું એવું યાદ આવે છે, જે આપણે તેને કહેવા ઈચ્છતા હતાં. ઘણી એવી ક્ષણો યાદ આવે છે, જે આપણે તેની સાથે ગાળવાના, માણવાના સપનાંઓ સેવ્યાં હતાં. પરંતુ તેની હાજરીમાં “હજી તો ઘણો સમય છે !” એવું વિચારીને, પોતાનાં મનને કે સામેનાં પાત્રને મનાવીને આપણે એ અમૂલ્ય સમય ગુમાવી દઈએ છીએ.


હિન્દીમાં ખૂબ જ સરસ વાક્ય છે કે “कल किसने देखा है ?” પણ આપણે જાણે કે ભવિષ્ય વેત્તા હોઈએ, તેમ ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ. જેની પાછળ આપણું વર્તમાન અને પ્રિયપાત્રનું વર્તમાન, તેની હુંફ, તેની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ, મૌનમાં દબાયેલી અપેક્ષાઓ જેવું ઘણું બધું ગુમાવી દઈએ છીએ, વેડફી દઈએ છીએ.


કદાચ એવું ન કરતાં, આપણે જો વર્તમાનમાં જ જીવવાનું શીખી જઈએ તો ?

કાલે જેને સમય આપવાનું વિચારીએ છીએ, તેને આજે જ સમય આપીએ તો ?

જે લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ આવતીકાલ માટે સાચવીને, દબાવીને, ગૂંગળાવીને રાખીએ છે.

તેને આજે જ વહેતી કરી દઈએ તો ?

કેવું સારું થાય, નહીં ?


એક વખત વિચાર જરૂરથી કરજો..


તારી સાથે..


“હું જીવવા ઈચ્છું છું, તારી સાથે.

જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું, તારી સાથે.

સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું, તારી સાથે.

વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શોમાં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું, તારી સાથે.

હાસ્ય ભરેલાં દિવસો અને પ્રેમ ભરેલી રાતો ગાળવા ઈચ્છું છું, તારી સાથે.


સુખ-દુઃખનાં તડકા-છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી, ક્યારેક ફૂલ પાથરેલી રાહોં પર ચાલવા ઈચ્છું છું, તારી સાથે.


ઈશ્વર પાસે હવે એક જ યાચના છે કે મારો શ્વાસ ચાલે તારી સાથે

અને

અટકે પણ તારી સાથે !”


કાલ્પનિક લાગે, પણ આપણે જેને બિનશરતી પ્રેમ (અનકંડિશનલ લવ) કહીએ છીએ, એ કદાચ આ જ છે. એ કેટલું સુંદર મૃત્યું કહેવાય, જે આપણાં પ્રિયપાત્ર સાથે જ મળે. સાથે જીવવાનાં આનંદથી પણ વધુ, કદાચ સાથે જીવનનો અંત આવે એ સુખદ્ હશે.


પ્રેમ થવો, પ્રસ્તાવ (પ્રપોઝ) કરવો, લગ્ન થવા, એ બધું જ સુખદ્ છે. પણ આખું જીવન સાથે જ વીતાવવું, ઘરડાં થઈએ ત્યારે એકબીજાને ટેકો આપવો, માથામાં આવેલાં બે-ચાર ધોળાં વાળથી શરું થયેલી ટીખળ, સાવ ચાંદી જેવાં વાળ થાય ત્યાં સુધી અકબંધ ચાલે, એથી વધુ શું જોઈએ જીવનમાં ?


આપણે ઘરડાં થઈએ ત્યારે, આરામથી જીવન જીવવા માટે અત્યારથી બચત (સેવિંગ્સ) કરતાં હોઈએ છીએ, વિમા (ઇન્સ્યોરન્સ) કરાવીએ છીએ, પેન્શન માટેની યોજનાઓ બનાવીએ છીએ. પણ સાથે-સાથે જેની સાથે આ બધું માણવાનું છે, એની લાગણીઓ, હુંફ, સ્નેહાળ સ્પર્શ જેવી વસ્તુઓ માટે પણ સેવિંગ્સ કરી શકતાં હોત, પ્લાનિંગ કરી શકતાં હોત તો કેટલુંય સારું થાત.


આ બધું જ કરવાની સાથે, ભવિષ્યની યોજનાઓ બનાવવાની સાથે, વર્તમાનમાં પોતાનાં જીવન સાથી (લાઈફ પાર્ટનર) સાથે સમય ગાળવો, એને સમજવું, થોડી ફરિયાદો કરવી અને ઘણી સાંભળવી, એ બધું પણ જીવનને ચોક્કસપણે રોમાંચિત કરે છે.


લાગણીઓ એવી વસ્તુઓ છે કે જેને ભવિષ્ય માટે બચાવીને રાખવાને બદલે, તેને અત્યારે વાપરીને ભવિષ્ય સુધારી શકીએ છીએ, સંબંધ સુધારી શકીએ છીએ, માણી શકીએ છીએ. ક્યાંય એવી ફિક્સ ડિપોઝીટ નથી, જ્યાં લાગણીઓ સાચવી શકાય. એને તો બસ વાપરવામાં, છૂટથી ખુલ્લાં હાથે વહાવવામાં જ આનંદ છે.


સુખી થવા માટે ક્યારેય ઘડપણની રાહન જોશો કારણકે રાહ જોવામાં જો  લાગણીઓને સંબંધને પ્રેમને ઘડપણનું ગ્રહણ લાગી ગયું તો વય સાથે આવનારું ઘડપણ અસહ્ય બની જશે !


No comments:

Post a Comment

Time Value "સમય નથી"

                               "સમય નથી" બાર કલાકની મુસાફરી ચાર કલાક થઈ ગઈ છે, છતાં એક માણસ કહે છે - સમય નથી બાર લોકોનો પરિવાર બે ...