Saturday, May 3, 2025

Son or daughter / દીકરો કે દીકરી

એક બહુ જ સરસ લેખ વાંચીને શેર કરવાનું જરૂરી લાગ્યું, દિકરી દિકરા કરતાં સવાઈ હોય છે

 નંદલાલ માસ્તર નિશાળ છૂટી કે આજે ઝડપભેર પગથિયાં ઊતરી ગયા..!


 

રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર ..., આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા.,

છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખી ને પરિવર્તને બંનેને વિચાર કરતાં કરી મૂક્યાં હતાં, પરંતુ એવું કાંઈ લગ્નજીવનના 15 વર્ષ પછી હોઈ શકે ખરું ..?"

માસ્તર મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા ને આજે એ મૂંઝવણના નિરાકરણ માટે તેઓ પત્નીને લઈને ડૉક્ટર પાસે જવાના હતા. 

ડૉક્ટરે માસ્તરની પત્નીને તપાસીને જે સમાચાર આપ્યા, તે સાંભળી તેમનું હૈયું હરખથી ઊછળી પડ્યું. 

ઘેર પહોંચીને તેમણે પત્નીને કડક સૂચના આપી દીધી – 

"તમારે હવે ઝાઝું કામ કરવાનું નથી. આરામ કરજો...!"

માસ્તર સવારે પોતાની ચા જાતે જ મૂકીને તૈયાર થઈ શાળાએ પહોંચી જતા ને પત્નીને નિરાંત જીવે ઊંઘવા દેતા. 

બજારમાંથી નાની-મોટી કંઈ ચીજ લાવવાની હોય તો પણ હોંશભેર જાતે જ લઈ આવતા.

પૂરા દિવસે માસ્તરની પત્નીને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. માસ્તર અધીરા થઈ બહાર આંટામારી રહ્યા. દીકરો હશે કે દીકરી..?

આજ સુધી માસ્તરે કદી ટ્યૂશનનો વિચાર કર્યો નહોતો. 

પૂરી ખંતથી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા પણ કદીક મનમાં વિચાર ઉદ્ભવતો. . . 

'‘હું નહિ હોઉં તો પત્નીનું શું થશે ? બસ એક સહારો, ઘડપણની ટેકણલાકડી. . .!’' ને, જાણે ઈશ્વરે સાંભળ્યું હોય એમ આ સારા સમાચાર મળ્યા. 

માસ્તર મનોમન ગડભાંગ કરી રહ્યા – 

"દીકરો હોય તો ઘડપણની લાકડી જરૂર બની રહે, પરંતુ.., ના, ના; દીકરી તો લક્ષ્મી છે, લક્ષ્મી. . . ને,

માસ્તર અચાનક નર્સના અવાજથી તંદ્રામાંથી જાગી ઊઠ્યા. 

‘'લક્ષ્મી આવી, માસ્તર, તમારે ઘેર લક્ષ્મીજી પધાર્યા છે..!’'

માસ્તરનું મોં હરખાઈ ઊઠ્યું. ઉત્સાહભેર ડગ ભરતા માસ્તર અંદર રૂમમાં પહોંચી ગયા. 

નાની, રૂના પોટકા જેવી દીકરી પારણામાં ઝૂલતી હતી. 

માસ્તર અમી નજરે તેને નીરખી રહ્યા – 

'‘ક્યાં હતી તું આટલાં વર્ષો ? કેમ આટલી રાહ જોવડાવી ..?’' 

ને જાણે પિતાને જવાબ આપતી હોય તેમ ઢીંગલી ઊંઘમાં મલકાઈ ઊઠી. 

પતિ-પત્નીની નજર મળી ને અંગ અંગમાં હરખની એક લહેર ફરી વળી. 

માસ્તરે વિચાર્યું, '‘દીકરી માટે ઝાઝી કમાણી કરવી જ પડશે..!" તેમણે રોજ એક શેઠને ત્યાં નામું લખવાની નોકરી સ્વીકારી લીધી, પત્ની પણ કરકસર ને ત્રેવડથી સંસાર ચલાવતી..!

વર્ષો વીત્યાં ને, ઝરણા હવે બાળકી મટી યૌવનને ઉંબરે ડગ માંડી રહી. 

ભણવામાં હોશિયાર ઝરણા બી.એસ.સી. માં ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગઈ. 

ત્યાં જ અચાનક મામા સમાચાર લઈ આવ્યા... "અમેરિકાથી મુકુન્દરાયનો અખિલેશ પરણવા આવ્યો છે, બોલો ઝરણા માટે છે વિચાર ?" 

માસ્તર સ્તબ્ધ થઈ ગયા. "આટલું જલદી ? દીકરી આટલી જલદી પારકી થઈ જશે ?" 

મન વ્યાકુળ થઈ ઊઠ્યું... પરંતુ વહેવાર-કુશળ પત્નીએ સલાહ આપી – "આવી તક કંઈ જતી કરાય ?"

તેમણે ઉતાવળ કરવા માંડી એટલે માસ્તરે રવિવારે મુકુન્દરાયના કુટુમ્બને ઘેર બોલાવવાનું નક્કી કર્યું. 

તે દિવસે સાંજે મુકુન્દરાયનું કુટુમ્બ આવ્યું ત્યારે માસ્તર-પત્નીએ શક્ય એટલી સરસ રીતે સરભરા કરી. 

રૂપ, ગુણમાં તો ઝરણા માટે કંઈ કહેવા જેવું જ નહોતું. 

અખિલેશકુમારને ઝરણાની સાદગી ને સૌંદર્ય પસંદ પડી ગયાં.

વાતવાતમાં મૃદુલાબહેને આછો અણસાર આપી દીધો – 

"અમારે તો અમેરિકામાં સર્વ સુખસાહ્યબી છે .., એટલે, 

કંકુકન્યા જ ચાલશે... પરંતુ અમારા સગાવ્હાલા, નાતજાતમાં નીચું ના પડે તે માટે પહેરામણી, ને જાનની સારી આગતાસ્વાગતા કરો એટલે ઘણું છે, બસ આટલો ખ્યાલ રાખજો...! અને

લગ્ન આવતા ડિસેમ્બરમાં લેવાનું જ અનુકૂળ રહેશે...!"

બધી સ્પષ્ટતા મુકુન્દરાય કુટુમ્બે કરી લીધી ને ગાડીઓ સડસડાટ ધૂળ ઉડાડતી નીકળી ગઈ. 

પાછા વળી માસ્તર માથે હાથ દઈ બેઠા..., 

'‘આમ ચિંતા શું કરો છો ? પૈસાનું તો થઈ પડશે. કેમ તમારું પ્રોવિડંટ ફંડ નથી ? ને હજુ તો ઘણો સમય છે. ત્યાં સુધીમાં થઈ પડશે..!’'

વહેવારકુશળ પત્નીએ હૈયાધારણ આપી.

અખિલેશ ને ઝરણાના વિવાહ મુકુન્દરાયે મોટી હોટેલમાં ગોઠવ્યા. માસ્તરકુટુમ્બને આ ઝાઝેરા ભભકામાં ભવિષ્યના પ્રસંગની ઝાંખી દેખાઈ રહી.

અખિલેશકુમારમાં ભારતીય સંસ્કાર ને આધુનિક પેઢીના પ્રગતિશીલ વિચારોનો સમન્વય જોવા મળતો હતો, અમેરિકા પહોંચી તે ઝરણાને નિયમિત પત્ર, ઇ-મેઇલ કરતા રહેતા...

ત્રણ મહિનાપછી માસ્તર રિટાયર થયા ને થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી.

નિર્મળાબહેને આ તક ઝડપી લીધી. '‘હવે તમે દીકરીના લગ્નની તૈયારીઓ કરવા માંડો, આ પ્રોવિડંટ ફંડના પાંચ લાખ તો દીકરીના લગ્નટાણે જ સમયસર આવી પહોંચ્યા છે.’' તેમનું મોઢું હરખાઈ ઊઠ્યું, રસોડામાં પોતું કરતી ઝરણાના કાન સરવા થયા. 

'‘પણ એ બધા પૈસા વાપરી નાંખીએ ને, કદાચ મને કંઈ થઈ જાય તો ? પછી તારું શું ?’' માસ્તરનો સ્વર ગળગળો થયો, ઝરણાના હાથ થંભી ગયા. 

'‘મારી શું ચિંતા કરો છો ? અત્યારે દીકરીનો પ્રસંગ ઉકેલોને ? પછી જોયું જશે..!’' પત્નીએ હિંમત દાખવી.

ઝરણા વિચારમાં પડી ગઈ. 

તે આખી રાત તે ઊંઘી શકી નહીં. 

"હું તો ચાલી જઈશ પરંતુ મારાં મા-બાપનું શું થશે ?" 

બીજે દિવસે તેણે કંઈક નિર્ણય કરી, અખિલેશને પત્ર લખી દીધો – 

"હું લગ્ન પછી અમેરિકા આવી જોબ કરીશ. આપણે બંને સાથે મળી કુટુમ્બનો આર્થિક બોજ ઉઠાવીશું. પરંતુ બસ માત્ર એક વર્ષની આવક મારા પિતાને હું આપવા ઇચ્છું છું. આશા રાખું છું તમે આ વાત માટે સહમત થશો. મારા પિતા તેમની જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખવા તૈયાર થયા છે તો હું માત્ર એક વર્ષની જ મારીકમાણી તેમને ના આપી શકું ? પિતાનું ઋણ ચૂકવવાની આ તક મને આપશોને ?’'

વળતો જ અખિલેશનો જવાબ આવી ગયો – '‘જરૂર, જરૂર. મારી આવાતમાં પૂરી સંમતિ છે. એટલું જ નહિ, જરૂર પડ્યે હું પણ આ મહાયજ્ઞમાં મારું યોગદાન આપીશ.’' ઝરણાનું હૈયું નાચી ઊઠ્યું. 

નંદલાલ માસ્તરે લગ્નની તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દીધી હતી. 

લગ્નના એક મહિના પહેલાં મુકુન્દરાય ને મૃદુલાબેન વહેલાં આવી બધી તૈયારીઓ જોઈ ગયાં. 

લગ્નનો હૉલ, સુશોભન, જાનનો જમણવાર, પહેરામણી બધુંજ તેમના મોભા પ્રમાણે થઈ રહ્યું હતું ને, છેવટે એ શુભ દિવસ પણ આવી ગયો.

ધામધૂમથી લગ્ન, જમણ, બધું જ ઊકલી ગયું. 

બેંક બેલેંસ ભલે તળિયાઝાટક થઈ ગયું હતું પણ વેવાઈને સંતોષ થયો હતો, તે વાતનો માસ્તરને આનંદ હતો.

વિદાય વેળાએ માસ્તરે વેવાઈ સમક્ષ બે હાથ જોડ્યા – 'કંઈ ભૂલચૂક થઈ હોય તો. . .!’ 

‘અરે હોય વેવાઈ, તમારી દીકરી હવે અમારી !’ મુકુન્દરાય માસ્તરને હેતથી ભેટી પડ્યા.

બે મહિના પછી ઝરણા પણ વીઝા મળતાં અમેરિકા ઊપડી. 

આજ બારમી ડિસેમ્બર હતી. 

માસ્તર ને પત્ની બંને હીંચકા પર બેસી ઝરણા-અખિલેશનાં લગ્નની આલ્બમ જોઈ વરસ પહેલાંનો એ શુભ અવસર વાગોળી રહ્યાં હતાં, ત્યાં જ બહાર માસ્તરના નામની બૂમ પડી. 

માસ્તરે ઊઠીને બારણું ખોલ્યું. 

સામે હાથમાં કવર સાથે ટપાલી ઊભો હતો. માસ્તરે કવર પર નામ જોયું. 

પુત્રીનો અમેરિકાથી કાગળ હતો. તેમણે અધીરાઈથી કવર ખોલ્યું. 

અંદરથી પત્ર ને સાથે અગિયાર હજાર ડૉલરનો ચેક સરી પડ્યા. 

માસ્તર અચંબાથી ચેક સામે જોઈ રહ્યા. આટલી મોટી રકમ ? 

અંદર પત્રમાંથી દીકરીનો પ્રેમભર્યો મધુર સ્વર ગુંજી રહ્યો. 

'‘બાપુજી, આજ અમારી લગ્નની એનિવર્સરી. સાથે આ ચેક મોકલાવું છું. તમે તમારી જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખી છે. હું તમારું કયા ભવે ઋણ ચૂકવીશ ? મેં કાંઈ ઝાઝું કર્યું નથી. આશા રાખું છું, આ રકમ તમારી જરૂરિયાત માટે પૂરતી થઈ રહેશે. વધારે કંઈ જોઈએ તો નિ:સંકોચ જણાવશો, તમારા જમાઈની પણ આવાતમાં પૂરી સંમતિ છે. આજના શુભ દિવસે માત્ર આપના આશિષ ઝંખું છું. આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમજી રકમ સ્વીકારી લેશો. હું તમારી દીકરી નહિ પણ દીકરો છું તેમ સમજજો."

– તમારી લાડલી ઝરણા. 

માસ્તરની આંખમાં બે મોતી ચમકી રહ્યાં. ..

‘હા, બેટા..,

તું તો મારો દીકરો છે.. દીકરો ..,

મારી લાડકી ..!

મારા ઘડપણની ટેકણ લાકડી 

No comments:

Post a Comment

Time Value "સમય નથી"

                               "સમય નથી" બાર કલાકની મુસાફરી ચાર કલાક થઈ ગઈ છે, છતાં એક માણસ કહે છે - સમય નથી બાર લોકોનો પરિવાર બે ...